આંખો આપણા જીવનનો અમુલ્ય હિસ્સો છે અને તેની યોગ્ય રીતે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તેજ આઈ સેન્ટર ખાતે, અમે આપને આપની આંખોની સંપૂર્ણ કાળજી આપવાનો સંકલ્પ લીધેલો છે. સંપૂર્ણ આંખોની તપાસ (Comprehensive Eye Check-Up) માત્ર દ્રષ્ટિની તીવ્રતા માપવા પૂરતી નથી, પરંતુ તે દ્વારા અનેક છુપાયેલી આંખની બીમારીઓને પણ ઓળખી શકાય છે જેમ કે મોટે બીન, મથિયાં દુઃખાવા સંબંધિત સમસ્યાઓ, કે ગ્લોકોમા. સમયસર તપાસ થવાથી આંખોની દ્રષ્ટિને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. તેજ આઈ સેન્ટર માં નવીનતમ તક્નોલોજી અને અનુભવી ડોક્ટરોની ટીમ સાથે, અમે આપને વિશ્વસનીય અને વ્યાપક તપાસ સુવિધા પ્રદાન કરીએ છીએ.
Que : 1 દ્રષ્ટિમાં તકલીફ હોય કેઆંખ લાલ થતી હોય તો જ ડોક્ટરને બતાવવું જોઈએ?
Ans : 1 80 ટકા અંધાપો એ પ્રકારનો છે કે જેને સમયસરના નિદાનથી આવતો અટકાવી શકાય છે. મોટા ભાગનાં આંખનાં રોગો એવા હોય છે કે જેમાં શરૂઆતના સમયમાં કોઈ સંકેતો દેખાતા નથી. શરૂઆતના તબક્કામાં આંખ લાલ નથી થતી, પાણી નથી પડતું કે જોવામાં તકલીફ નથી પડતી. આવા સંજોગોમાં જો આંખનું ચેકઅપ શરૂઆતના તબક્કામાં જ કરવામાં આવે તો રોગ ઓછી માત્રામાં હોય ત્યારે જ એનું નિદાન કર્યા બાદ સારવાર શરૂ કરી આંખની જતી નજર બચાવી શકાય છે. જેથી પુખ્તવયની દરેક વ્યક્તિએ દર વર્ષે નિયમિત રીતે પોતાનું કમ્પ્લિટ કોમપ્રિહેન્સિવ ડાયલેટેડ આઈ ચેકઅપ કરાવવું જ જોઈએ.
Que : 2 અમારે ત્યાં એવું કહે કે આંખો મ્હાલી હોય તો બાળક નસીબદાર ગણાય. પાછળથી ઉંમર સાથે આંખ સારી થઈ જાય. શું એ વાત સાચી છે?
Ans : 2 આંખો મ્હાલી હોય તો તાત્કાલિક બાળકને આંખનાં ડોક્ટરને બતાવવું જોઈએ. નજર નબળી હોઈ શકે છે. તેથી ડોક્ટર જોડે બાળકનું આંખનું કમ્પ્લિટ કોમ્પ્રિહેંસિવ ડાયલેટેડ આઈ ચેકઅપ કરાવવું જોઈએ. સમયસર ચશ્માનાં સાચા નંબર કઢાવી ચશ્મા પહેરવાથી નબળી દ્રષ્ટિને સુધારી શકાય છે. પાછળથી બાળક મોટું થશે એટલે આંખો સુધરી જશે એ વાત તદ્દન ખોટી છે. દસ વર્ષની ઉંમર પછી ચશ્માનાં નંબર આપવામાં આવે તો પણ મ્હાલી આંખ સીધી થતી નથી અને દ્રષ્ટિ સુધરતી નથી. 10% બાળકો એવા છે કે જે લોકોને એક આંખ નબળી હોય છે પરંતુ બીજી આંખ સારી હોવાને લીધે નબળી આંખની દ્રષ્ટિનું નિદાન થતું નથી. આવા બાળકો ચશ્મા પહેરતા હોતા નથી અને એના કારણે જીવનભર નબળી નજર સાથે જીવવું પડે છે. જો 10 વર્ષની ઉંમર પહેલા ચશ્માની ત્રુટિને સુધારવામાં ના આવે તો કાયમ માટે આંખ નબળી રહે છે જેને એમ્બ્લાયોપિયા કહે છે.
Que : 3 શું આંખમાં લીમડાનો અર્ક, ઘી કે મધ નાખવાથી નજર ચોખ્ખી થાય છે?
Ans : 3 આંખ એ કુદરતે બનાવેલ અણમોલ અંગ છે. આંખને સામાન્ય સ્થિતિમાં બહારથી કોઈ વસ્તુની જરૂર હોતી નથી. જો આંખ લાલ થતી હોય કે પાણી નીકળતું હોય તો ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરવો. પણ વિના સમજણ કોઈ વસ્તુ આંખમાં નાખવાથી આંખમાં ડાઘ કે કાયમી નુકસાન પહોંચી શકે છે.
Que : 4 ફંડસ ચેકઅપ એટલે શું? તેની અગત્યતા શું છે?
Ans : 4 ફંડસ ચેકઅપ એટલે આખનું રેટિના ચેકઅપ જેમાં આંખમાં ટીપાં નાખીને માઈક્રોસ્કોપ વડે આંખની વિસ્તૃત તપાસ કરવામાં આવે છે. હાર્ટમાં લોહી ઓછું પહોચે અને હાર્ટ એટેક આવે તો હાર્ટમાં લોહીનું સરક્યુલેશન જોવા એન્જીઓગ્રાફી કરવી પડે છે. પણ આખા શરીરમાં આંખ માત્ર એવું અંગ છે કે જેમાં લોહીની નળીઓને આંખમાં ટીપાં નાખીને આંખની કીકી પહોળી કરીને ડાયરેક્ટ જોઈ શકાય છે જેનાથી શરીરનું અને શરીરના આંખ સિવાયના અન્ય અંગોનું સ્વાસ્થ્ય પણ જાણવા મળે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અને અન્ય અમુક રોગોની અસર આંખમાં થાય છે જેને કારણે ઘણી વાર આ રોગોનું નિદાન પણ આંખના ચેકઅપ વડે થાય છે. આપણાં શરીરમાં સૌથી વધારે મેટાબોલીકલી એક્ટિવ આંખ અને કિડની છે જેની રચના બારીક ગૂંચડાવાળી લોહીની નળીઓ વડે થયેલી છે. ડાયાબિટીસવાળું લોહી બારીક ગૂંચડાવાળી લોહીની નળીઓમાં પૂરતું ઑક્સીજન પહોચાડી શકતું નથી જેને લીધે અવયવોને પૂરતો ઑક્સીજન મળતો નથી. જેથી ડાયાબિટીસના લીધે આંખનાં પડદામાં અને કિડનીમાં ડેમેજ શરૂ થાય છે. આ સિવાય બ્લડ પ્રેશરવાળી વ્યક્તિઓમાં પણ જ્યારે બ્લડ પ્રેશર ઊંચું હોય છે ત્યારે આંખનાં પડદા પર સોજો આવે છે, હેમરેજીસ દેખાય છે અને ગંભીર સ્થિતિમાં લોહીની નળીઓ બંધ થઈ જવાથી દ્રષ્ટિ કાયમ માટે જતી રહે છે. આવા સંજોગોમાં સમયસર આંખનું ચેકઅપ કરાવવાથી શરીરના અન્ય અંગોનું પણ ચેકઅપ થાય છે અને સમયસર રોગોનું નિદાન થાય છે. એટલે 40 વર્ષની ઉંમર પછી રેગ્યુલર ટીપાં નાખીને આંખનું ફંડસ ચેકઅપ કરાવવું જ જોઈએ અને ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરવાળી વ્યક્તિઓએ પોતાનું ફંડસ ચેકઅપ પોતાના ફીઝીશિયનને પણ બતાવવું જોઈએ.
Que : 5 આંખનું ચેકઅપ ક્યારે-ક્યારે કરાવવું જોઈએ?
Ans : 5 ૮૦% અંધાપો એવો હોય છે જે સમયસર આવતો ટાળી શકાય છે જો તેનું સમયસર નિદાન કરવામાં આવે તો મોટા ભાગના આંખના રોગોના કોઈ લક્ષણ નથી હોતા જેના લીધે તેનું સમયસર ચેકઅપ થતું નથી અને રોગનું નિદાન છેલ્લા તબક્કામાં થાય છે કૈ જ્યારે દ્રષ્ટિ પાછી ના આપી શકાય. આવું ના થવા દેવા માટે સમયસર ચેકઅપ જરૂરી છે. એટલે નિયમિત સમયાંતરે આંખની બાહ્ય તપાસ નહીં પણ આંખનું કંપ્લીટ કોમ્પ્રિહેંસિવ ડાઈલેટેડ આઈ ચેકઅપ કે જેમાં ટીપાં નાખીને માઈક્રોસ્કોપ વડે આંખની વિસ્તૃત તપાસ કરાવવી જોઈએ. બાળક જો અધૂરા મહિને જન્મે તો ૨ થી ૩ અઠવાડિયામાં અને જો પૂરા મહિને જન્મે તો દર ૬ મહિને બાળકનું આખનું ચેકઅપ થવું જોઈએ. તે બાળક જ્યારે કોઈ ફિલ્મસ્ટાર, સેલિબ્રિટિ, કે કાર્ટૂનના ચિત્રોને ઓળખતા થાય ત્યારે લગભગ ૩ વર્ષ થયા હોય છે. ત્યારથી ડિજિટલ ડિવાઇસના વધુ પડતાં ઉપયોગને કારણે દર વર્ષે આંખનું ચેકઅપ થવું જોઈએ. એ પછી જીવનના બીજા દાયકામાં ઓછામાં ઓછું બે વખત, ત્રીજા દાયકામાં ત્રણ વખત, ચોથા દાયકામાં ચાર વખત અને પછી દર વર્ષે ટીપાં નાખીને આંખનું કંપ્લીટ કોમ્પ્રિહેંસિવ ચેકઅપ કરાવવું જ જોઈએ. આ સિવાય જો કુટુંબ કોઈને આંખના રોગની હિસ્ટ્રી હોય તો આ ચેકઅપ વધારે વખત નિયમિત રીતે કરાવવું હિતાવહ છે. એ ખાસ ધ્યાન રાખવું કે આ ચેકઅપ ટીપાં નાખીને વિસ્તૃત રીતે થાય. ટીપાં નાખ્યા વગર આંખની સંપૂર્ણ તપાસ થઈ જ નથી શકતી. ઘણા લોકોને ટીપાંની અસર ૯૦-૧૦૦ મિનિટ સુધી રહે છે એટલે તપાસ કરાવીને ઘરે ગયા પછી પણ ઝાંખું દેખાય છે જેને કારણે ટીપાં નાખીને થતી તપાસ ટાળવાની એક માનસિકતા છે. પણ વર્ષે એક વખત બર્થ ડે કે મેરેજ એનિવર્સરી પછીના અઠવાડિયામાં સેલિબ્રેશન પછી ઇન્વેસ્ટિગેશન વીકને ઉજવીને આંખની જાણવણી થવી જરૂરી છે.
Que : 6 મારી ઉંમર 64 વર્ષની છે. મને જોવામાં કોઈ તકલીફ નથી. શું મારે આઈ ચેક અપ કરાવવું જોઈએ?
Ans : 6 80% આંખના રોગો એવા છે કે જેમાં શરૂઆતમાં આંખમાં દુઃખાવો કે જોવાની તકલીફ પડતી નથી, પણ પાછળથી એમાંથી ઘણા લોકો આંખની દ્રષ્ટિ ગુમાવે છે. આંખની તપાસ એટલે ચશ્માના નંબરની તપાસ નહિં, પરંતુ ટીપા નાખીને ઊંડાણમાં આંખની સ્લીટ લેમ્પ બાયો માઈક્રોસ્કોપ, ઇન્ડિરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપ અને એપ્લેનેશન ટોનોમીટર સાથે કરેલી સંપૂર્ણ તપાસ. બાળક જન્મે પછી કે અધૂરા મહિને બાળક જન્મ્યું હોય તો તરત જ બે-ત્રણ અઠવાડિયામાં નહીંતો નોર્મલ ડિલિવરી બાદ 6 મહિને ચેક અપ કરાવવું જોઈએ, ત્યારબાદ બાળક જયારે ચિત્ર ઓળખતું થાય ત્યારે 3 વર્ષે અને તે બાદ 5 વર્ષ પછી દર વર્ષે કમ્પ્લીટ કોમ્પ્રેહેન્સિવ છે. ચેક અપ કરાવતા રહેવું જોઈએ, કારણકે આજના આધુનિક ડિજિટલ ડિવાઈસીસના યુગમાં બાળકો ડિજિટલ ડિવાઇસીસનો વધુ પડતો ઉપયોગ કરે છે. પુખ્ત વયની ઉંમરમાં ત્રીજા દાયકામાં ઓછામાં ઓછું ત્રણ વખત, ચોથા દાયકામાં ચાર વખત ચેક અપ કરાવવું જોઈએ અને એ પછી દર વર્ષે આંખમાં ટીપા નાખીને કમ્પ્લીટ કમ્પ્રેહેન્સિવ ચેક અપ કરાવવું જોઈએ. પરિવારમાં કોઈને ઝામર કે ડાયાબિટીસ હોય તો આ ચેક અપ વધારે ફ્રિકવેન્ટલી કરાવવું જોઈએ. આ જ મહત્વ સમજાવવા માટે વિશ્વમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ સાઇટ ડે ઊજવવામાં આવે છે.
Que : 7 આંખમાં ટીપા નાખીને તપાસ કરવાથી થોડાક સમય સુધી ઝાંખું દેખાય છે. શું એને ટાળી શકાય?
Ans : 7 આંખની ફક્ત બહારની તપાસ કરવાથી આંખના રોગનું પૂર્ણ નિદાન થતું નથી તેથી આંખને ડાયલેટ કરીને જોવું જરૂરી છે જેથી આંખના અંદરના રોગોનું નિદાન કરી શકાય. કમ્પ્રેહેન્સિવ ચેક અપ માટે એવો સમય પસંદ કરવો જયારે તમારી કોઈ જરૂરી મિટિંગ ના હોય અને ડ્રાઈવિંગ કરવાનું ના હોય જેથી ટીપાંની અસરના કારણે ઝાંખું દેખાતું હોય તો પણ કોઈ જરૂરી કામ અટકે નહિ.
Que : 8 આંખ માટે હોસ્પિટલ સેવાઓનો લાભલેવા માટે દર્દીએ શા માટે NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલની પસંદગી કરવી જોઈએ?
Ans : 8 આંખની સર્જરીમાં ક્યારેય “કટ કોપી પેસ્ટ” નથી થઈ શકતું એટલે કે આંખની સર્જરી એક વાર થાય એ જ કાયમી હોય છે જો બગડે તો પાછળથી આંખ રીપેર કરી શકાતી નથી. તેથી આંખની સારવાર માટે સલામતી અને ગુણવત્તા સૌથી વધારે જરૂરી છે. સ૨કારે NABII અંતર્ગત દર્દીની સલામતી અને સારવારની ગુણવત્તાનું સ્તર ઉચ્ચ રાખવા રાષ્ટ્રવ્યાપી સ્ટાન્ડર્ડાઈઝેશન ધોરણો નક્કી કર્યા છે. જેમાંથી કમ્પલિટ NABH ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને લગોલગ ધોરણો સાથે ઊભું છે. જેમાં મોર્ડન ક્લાસ 1000 ઓપરેશન થિયેટરમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડવાળા 'હેપા ફિલ્ટર' યુક્ત એર હેંડલિંગ યુનિટ (AHU) હોય છે જે પ્રત્યેક ક્ષણે નવી હવા ફેંકે છે. જેથી કોરોના જેવા ચેપી રોગો ફેલાતા સમયમાં પણ દર્દીઓને ચેપ થવાની સંભાવના ના રહે. દર્દીને તપાસવા માટેના પણ ચોક્કસ નિયમો હોય છે કે જેથી કોઈ છુપા રોગનું નિદાન કરવાનું ના ચુકાય પ્રિસ્ક્રિપ્શનની પણ ગુણવત્તા સચવાય છે, સારી કક્ષાના તબીબી સાધનો સમયસર એન્જિનિયર વડે કેલિબરેટ અને સર્વિસ થાય છે. જેથી દર્દીની તપાસ કરાવતા રિપોર્ટમાં ખોટા રીડિંગ ના આવે, ઈન્ફેકશન ના થાય તે અંગે દર્દીની સંભાળમાં જરૂરી સ્ટાન્ડર્ડ પણ સચવાય છે. સ્ટાન્ડર્ડાઈઝડ વસ્તુઓ વપરાય છે, એક્સપાઇરી ડેટ ધરાવતી વસ્તુઓ સમયસર ફેકાઈ જાય છે. પદ્ધતિસર બાયોમેડિકલ કચરાના નિકાલ થાય છે. હોસ્પિટલમાં ક્વોલિફાઈડ અને અનુભવી તથા પ્રમાણિત તબીબી સ્ટાફ દ્વારા દર્દીની સારવાર કરવામાં આવે છે આ NABH માન્યતાના 3 લેવલ છે જેમાંથી કમ્પલિટ NABH સૌથી સુરક્ષિત વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાની સંભાળના ધોરણો દર્શાવતું હોવાથી સૌથી વધારે પસંદગી કરવા લાયક છે. તેજ આઈ સેન્ટર કમ્પલિટ NABH માન્યતા ધરાવે છે.
Que : 9 હું કાયમ માટે બ્લડ પ્રેશરની દવા લેતો'તો. પણ હમણાંથી બંધ કરી છે. મને કોઈ તકલીફ જણાતી નથી. આ બ્લડ પ્રેશરની દવા બંધ કરવાથી આંખને નુકશાન થઈ શકે ખરું?
Ans : 9 ઓવરઓલ હેલ્થ માટે બ્લડ પ્રેશર કાયમી ધોરણે નોર્મલ જળવાઈ રહેવું ખૂબ જ જરૂરી છે. એમાં થતી વધઘટ કેટાસ્ટ્રોફીક લકવો, અંધત્વ કે મૃત્યુ નોતરે છે. શરૂઆતમાં ઘણી વાર બ્લડ પ્રેશરની દવા બંધ કરવાથી બ્લડ પ્રેશરમાં વધ ઘટ થતું હોય તો કોઈ સંકેત કે લક્ષણો હોતા નથી અને વ્યક્તિને જાતે ખબર પડતી નથી. પરંતુ શરીરને લકવો થઈ શકે છે, આંખમાં મુખ્ય લોહીની નળીઓ બ્લોક થઈ શકે છે અને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે છે. આવા કિસ્સામાં દ્રષ્ટિ થોડા સમય પૂરતી નહીં પરંતુ કાયમી ધોરણે જતી રહે છે. ક્યારેક તો અજાણપણે એક-બે દિવસ માટે બ્લડ પ્રેશરની દવા બંધ કરો તો પણ આવું થઈ શકે છે એટલે આવું જરા પણ એડવાઈઝેબલ નથી.
Que : 10 ખોરાક આંખના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિને કેવી રીતે અસર કરે છે?
Ans : 10 નબળી દ્રષ્ટિ અથવા રેટિનાની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ ધરાવતા લોકોને ડર લાગે છે કે તેઓને તેમના જીવનના અમુક તબક્કે આ સમસ્યાઓનો સામનો કરવો જ પડશે. પરંતુ સંશોધન બતાવે છે કે આંખની દરેક સમસ્યાઓ જીનેટિકલ નથી હોતી. વ્યક્તિનો આહાર પણ તેમની આંખના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ઓમેગા -3, ફેટી એસિડ્સ, વિટામીન A&C અને ઝીંક-વય સંબંધિત મેક્યુલર ડિજનરેશન (AMD) અને મોતિયા સહિત આંખની પ્રચલિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકે છે. પોષક તત્ત્વો, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ખોરાકમાં સાઇટ્રસ ફળો જેવા કે લીંબુ, નારંગી, દ્રાક્ષ આ સિવાય લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે કોથમીર, પાલક, બ્રોકોલી તેમજ અખરોટ અને બદામ જેવા ડ્રાયફૂટનો સમાવેશ થાય છે. આવા સ્વસ્થ અને પોષક તત્વોથી ભરપૂર આહાર આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. પરંતુ વધુ પડતાં પ્રોસેસ્ડ અને ચરબીવાળા ખોરાક આંખની સમસ્યાઓનું જોખમ વધારે છે. ડાયેટ સોડા, ઓછી માત્રામાં પીવાતું પાણી, વધુ માત્રામાં લેવાતું સોડિયમયુક્ત ડાયટ, શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ વધુ પડતાં પ્રોસેસ્ડ થયેલા અનાજથી બનતો ખોરાક જેમ કે પાસ્તા, સફેદ બ્રેડ તેમજ બેકરી આઇટમ્સ જેવી કે મફિનસ અને કૂકીઝ જેવા આહારના સેવનથી ડાયાબિટીસ, ડિહાઈડ્રેશન, દીર્ઘકાલીન દ્રષ્ટિ અને આંખની અન્ય સમસ્યાઓ શરીરમાં પ્રવેશે છે.
Que : 11 મારે એક સાથે બે પ્રકારના ટીપાં આંખમાં નાંખવાના હોય છે તો હું બંને એકસાથે નાખી શકું?
Ans : 11 આંખમાં ટીપાં નાંખવાની સાચી રીત એ છે કે એક વખતે એક બોટલમાંથી એક જ ટીપું આંખમાં નાખવું જોઈએ. એ નાંખ્યા પછી આંખનો ખૂણો દબાવવો જોઈએ અને ૨ થી ૫ મિનિટ આંખ બંધ રાખવી જોઈએ અને બીજું ટીપું ૫ મિનિટ પછી જ નાખવું. ટીપાં નાખતી વખતે હાથ બરાબર સાફ થયેલા હોવા જોઈએ. બોટલમાં કાણું કોઈ સેફ્ટી પીન કે અણીદાર વસ્તુથી પાડવાનું નથી હોતું. બોટલ ટીપ સ્ટરાઇલ રહેવી જોઈએ. બોટલના ઢાંકણા ૫૨ પ્રોટેકટેડ રિંગ કાઢીને જોરથી ગોળ ફેરવો તો તેના થી જ આઈ ડ્રોપ માટે કાણું પડતું હોય છે.
Que : 12 મને ફટાકડાની ઈજાથી પોપચું ફાટી ગયું છે પણ ડોળાને કોઈ ઇજા થઈ નથી. તેનું ઓપરેશન પણ કરાવી દીધું, તો મારે હવે શું સાવચેતી રાખવી જોઈએ?
Ans : 12 જો પોપચું ફાટી ગયું હોય અને આંખના ડોળામાં કોઈ મોટું નુકસાન ના થયું હોય તો પ્રાથમિક સારવાર ઈમરજન્સી ડોક્ટર પાસે લઈ અને બને તો આંખના પોપચાની સર્જરી આંખના ડોક્ટર પાસે જ કરાવવી જોઈએ. જો આંખનાં ફાટેલા પોપચાંની સર્જરી શ્યલાઈઝડ સ્યૂચર અને માઇક્રો સર્જરી વડે કરવામાં આવે તો પાછળથી પરિણામ એટલા સારા હોય છે કે ઘા પણ દેખાતો નથી. ખાસ કરીને લેક્રીમલ ડ્રેનેજ સિસ્ટમને ડેમેજ ના થાય તે માટે આવા પ્રકારની સાવચેતી રાખવામાં આવતી હોય છે. નહીં તો પાછળથી સતત આંખમાંથી પાણી પડ્યા કરે છે. આવા ઓપરેશન પછી દરેક વ્યક્તિએ પોતાનું કમ્પ્લીટ કોંપ્રિહેંસિવ ડાયલેટેડ આઈ ચેકઅપ કરાવવું જ જોઈએ જેથી આંખના પડદાના કોઈ ખૂણામાં દેખીતી રીતે ડેમેજ ના હોય તો પણ હેમરેજ કે હોલ નથી તેની ખાતરી થઈ શકે.
Que : 13 ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
Ans : 13 ફટાકડા ફોડતી વખતે સિન્થેટીક નહીં પણ કોટન કપડાં પહેરો તથા સાડીનો છેડો કે દુપટ્ટો દિવાની આગમાં ન લપેટાય તેનું ધ્યાન રાખો, પગના આંગળા ખુલ્લા ન રહે તેવા બુટ પહેરો, ત્યાં પાણી ભરેલી ડોલ અને ફર્સ્ટ એઇડ કીટ જોડે રાખો, નાના બાળકોને સુપરવિઝન હેઠળ જ ફટાકડા ફોડાવો. શક્ય હોય તો ખુલ્લી જગ્યામાં જઈને અગરબત્તી કે તારામંડળ વળે ફટાકડા ફોડો, હાથમાં પકડી રાખીને ફટાકડા ન ફોડો, ફટાકડો સળગ્યો કે નહીં તે જોવા નજીક ન જાઓ અને ફટાકડા સળગાવો ત્યારે હાથ લાંબો કરીને મોઢું દૂર રાખીને સળગાવો જેથી ફટાકડો તમારી આંખમાં ના ફૂટે. ફટાકડો આંખમાં ફૂટવાથી કાયમ માટે આંખ ગુમાવી ચૂક્યાના ઘણા કિસ્સા બનતા હોય છે એટલે જ્યારે પણ ફટાકડા ફોડો એકબીજાથી દૂર ઊભા રહીને સેફ ડિસ્ટન્સ સાચવીને ફટાકડા ફોડો અને શક્ય હોય તો બહુ વધારે ધુમાડાવાળા ફટાકડા કે જેનાથી આંખમાં બળતરા થાય તેવા ફટાકડા ફોડવાનું ટાળો. તેમ છતાં જો ફટાકડાને લીધે આંખમાં કોઈ પણ અણબનાવ બને તો તરત જ આંખના ડોક્ટરને બતાવો. અને તે પહેલા તાજા વહેતા પાણીમાં આંખો ધોઈ નાખો.
Que : 14 મારી ઉંમર 23 વર્ષની છે. મને માઈનસ 5 નંબર છે અને હુંકોન્ટેક્ટ લેન્સ પહેરું છું.ઉજાગરો થાય ત્યારે અને ગરબામાં કોન્ટેક્ટ લેન્સથી મારી આંખો લાલ થઇ જાય છે. મારે શું કાળજી લેવી જોઈએ ?
Ans : 14 માઇનસ નંબર વધારે હોય ત્યારે કોન્ટેક્ટ લેન્સથી અચૂક સારી દ્રષ્ટિ મળે છે પણ આખો લાલ થતી હોય તો નવરાત્રીમાં ખાસ કરીને ઉજાગરામાં અને ધૂળ ઊડતી હોય ત્યારે કોન્ટેન્ટ લેન્સ ન પહેરવા જોઈએ. કોન્ટેન્ટ લેન્સ અમુક સમયથી વધુ ન પહેરી રાખવા જોઈએ. લુબ્રિકેશનના ડ્રોપ્સ નાખી ડ્રાયનેસ ઓછી તો કરી શકાય પણ કોન્ટેન્ટ લેન્સ લાંબો સમય પહેરી રાખવાથી કે રાત્રે પહેરીને સુઈ જવાથી આંખની કિકી પર સોજો આવે છે અને ચાંદા પડે છે એટલે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ. કોન્ટેક્ટ લેન્સ કદી રાત્રે પહેરીને સુઈ ના જવું જોઈએ. મેક અપ આંખની પાપણની અંદર ના જવો જોઈએ. એક્સપાયર ડેટ થઈ ગયેલ મેક અપ વાપરવો ના જોઈએ. બને તો ડિસ્પોઝેબલ કોન્ટેક્ટ લેન્સ પહેરવા જોઈએ જેથી ચેપ લાગવાની શક્યતા ઓછી રહે. મહિનાની વેલિડિટીવાળા કોન્ટેક્ટ લેન્સ વાપરતા હોવ તો એના સમય અનુસાર દર મહિને લેન્સ બદલતા રહેવું જોઈએ
સંપર્ક
અમારી સેવાઓ અને આંખો ના સ્વાસ્થ્ય ની વધુ માહિતી મેળાવવા તેજ આઇ સેન્ટર નો આજે જ +91 7778057500 પર સંપર્ક કરો