આજના ઝડપી જીવનશૈલીના સમયમાં ડાયાબિટીસ એટલે કે શરકરી રોગ સામાન્ય બની રહ્યો છે. પરંતુ આ રોગ માત્ર રક્તમાંની શરકરના સ્તર સુધી મર્યાદિત નથી, તે શરીરના અનેક ભાગોને અસર પહોંચાડી શકે છે – ખાસ કરીને આંખોને. તેજ આઈ સેન્ટર એક અગ્રણી આંખની હોસ્પિટલ તરીકે ડાયાબિટીસને લગતી આંખોની સમસ્યાઓ માટે વિશિષ્ટ સારવાર આપે છે. આ બ્લોગમાં, આપણે ડાયાબિટીસ શું છે, તેના લક્ષણો, જોખમો અને દ્રષ્ટિ ઉપર થતા અસરકારક પ્રભાવ વિશે વિસ્તૃત માહિતી મેળવશું.
Que : 1 મને ઘણા વર્ષોથી ડાયાબિટીસ છે. મારી કિડનીને પણ ડાયાબિટીસનાં લીધે નુકસાન થયેલુ છે. જેને લીધે મારે ડાયાલીસીસ ચાલુ છે. પણ મારી નજર ચોખ્ખી છે. તો શું મારી આંખમાં પણ ડાયાબિટીસના લીધે નુકસાન પહોચી શકે ખરા ?
Ans : 1 ડાયાબિટીસવાળી વ્યક્તિઓને આંખ ડેમેજ હોય તો પણ શરૂઆતના સ્ટેજમાં નજર ચોખ્ખી હોઈ શકે છે. કારણકે શરૂઆતમાં આંખનાં જોવાના મધ્ય ભાગમાં નહીં પરંતુ આંખનાં જોવાના મધ્ય ભાગની બાજુમાં સોજાની અને હેમરેજની શરૂઆત થાય છે . સમય જતાં આ સોજો આંખનાં જોવાના મધ્ય ભાગ ૫૨ આવે છે જેને લીધે દ્રષ્ટિ સાવ ધૂંધળી થઈ જાય છે. તેથી ડાયાબિટીસવાળી વ્યક્તિઓએ સમયાંતરે કમ્પ્લિટ કોમ્પ્રિહેંસિવ આઈ ચેકઅપ કરાવવું જ જોઈએ. ખાસ કરીને જે લોકોને કિડની ફંક્શન બગડેલા છે અને યુરિનમાં પ્રોટીન લીકેજ થાય છે તેમજ શરીરમાં સોજા આવે છે. એ સિવાય જે લોકોને ડાયાલીસીસની જરૂર પડે છે તેવી દરેક કિડનીની તકલીફવાળી વ્યક્તિઓએ હંમેશા આંખનું ચેકઅપ કરાવતા જ રહેવું જોઈએ. અતિ બારીક ગૂંચડાવાળી લોહીની નળીઓ શરીરના બે અંગો કિડની અને આંખમાં છે. ડાયાબિટીસમાં આ બંને અંગોમાં ધીમે ધીમે ડેમેજ વધતો જાય છે અને તે અંગોની કાર્યશીલતા ઓછી થતી જાય છે.
Que : 2 મને આંખમાં ડાયાબિટીસ છે.મે અગાઉ પડદાનાં સોજા માટે બે વાર ઈન્જેક્શન્સ લીધેલા છે. પણ હવે મને પાછું ઝાંખું દેખાય છે. ડોક્ટરનાં સૂચવ્યા મુજબ મને ફરી પડઘનું ઈન્જેક્શન લેવાની જરૂર છે. તો શું મારે આ ઈન્જેક્શન લેવું જોઈએ? અને ક્યાં સુધી મારે આ ઇન્જેક્શન્સ લેવા પડશે?
Ans : 2 શરીરમાં ડાયાબિટીસના લીધે ડાયાબિટીસના પ્રકાર, પ્રમાણ અને કેટલા વર્ષોથી ડાયાબિટીસ છે, ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં તેના આધારે વારે વારે આંખમાં સોજો આવી શકે છે. એક વખત ઈન્જેક્શન લીધા પછી સોજો ઓછો થઈ જાય છે એવા ઘણા દર્દીઓમાં અમુક સમય પછી આ સોજો પાછો આવે છે ત્યારે ફરીથી આંખની સારવાર જરૂરી બને છે. ઓસીટી ટેસ્ટ વડે સોજાનું પ્રમાણ નક્કી કરી સોજો ઓછો કરવા માટેના ઈન્જેક્શન આપવા પડે છે. જેટલા ઈન્જેક્શન આજે ઉપલબ્ધ છે એમાં ઘણા ઈન્જેક્શન એવા છે કે જેમાં ફરીથી ઊથલો મારવાની શક્યતા ઓછી રહે છે. સોજો ફરીથી આવે તો સારવાર અચૂક કરાવવી જોઈએ. એક વખત પડદા પર સ્કારિંગ થઈ ગયા પછી મોડી સારવાર લેવાથી નજર પાછી સુધારી શકાતી નથી. અને હવે સારું છે કે મેડિકલેમમાં આ સુવિધાનો સમાવેશ થાય છે એટલે ઈન્સ્યોરન્સ કંપની આ સારવારનો ખર્ચ ચૂકવે છે. જેવી રીતે ડાયાબિટીસની દવાઓ કાયમ માટે રોજ નિયમિતતાથી લેવી પડે છે, ના દવા લઈએ તો જેમ ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતો તેવી રીતે જો સોજો ફરીથી ઊથલો મારે અને સમયસર સારવાર ના કરવામાં આવે તો સ્કારિંગ થાય છે આવા' કિસ્સાઓમાં જેટલી વાર ડાયાબિટીક રેટીનોપથીનો ઊથલો મારે, સોજો આવે અને દ્રષ્ટિ જોખમાય એટલે તાત્કાલિકપણે જો ઈન્જેક્શન આપી અને સારવાર કરવામાં આવે તો ઘણી સારી નજર સચવાઈ શકે છે. મોડું ના પડવું જોઈએ અને અચૂક ટેસ્ટ કરાવીને જરૂરી સારવાર લેવી જોઈએ તથા અવારનવાર આંખના પડદાની તપાસ અચૂક કરાવવી જોઈએ.
Que : 3 દસ વર્ષથી મને ડાયાબિટીસ છે અને તે ખૂબ કંટ્રોલમાં રહે છે. જોવામાં કોઈ તક્લીફ નથી પડતી. તો મારા આંખના પડદા પર ડાયાબિટીક રેટીનોપથી હોઈ શકે?
Ans : 3 ડાયાબિટીસમાં આંખના પડદા પરની બારીક લોહીની નળીમાંથી લોહી લીક થાય અને પડદામાં સોજો આવે છે. જેમ શરીરમાં ડાયાબિટીસની ઉંમર વધતી જાય તેમ આંખમાં ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે વધતી જાય છે. મોટે ભાગે શરૂઆતમાં પડદામાં રેટીનોપથી હોય, પડદામાં સોજો હોય તો પણ નજર ચોખ્ખી રહે છે અને પાછળથી આવી વ્યક્તિઓમાં નજર જાય છે. એટલે જો કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસનું નિદાન થયું હોય તો તેમણે અચૂક પણે દર વર્ષે ઓછામાં ઓછી એક વાર અને જો રેટીનોપથીની સહેજ પણ અસર હોય તો વર્ષે બે કે વધુ વાર આંખનું કમ્પ્લિટ કોમ્પ્રિહેંસિવ ડાયલેટેડ આઈ ચેકઅપ કરાવવું જોઈએ.
Que : 4 મને અચાનક બહુ જ બધા કણો આંખમાં તરતા દેખાય છે. મારી નજર ધૂંધળી નથી અને ચોખ્ખું દેખાય છે. શું આ ગંભીર બાબત છે?
Ans : 4 આંખમાં તરતા દેખાતા બહુ બધા કણોને મલ્ટીપલ વિટ્રીયલ ફ્લોટર્સ કહેવાય. જો તમને અચાનક આટલા બધા વિટ્રીયલ ફ્લોટર દેખાતા હોય તો તાત્કાલિક સંપૂર્ણપણે પડદાની તપાસ કરાવવી જોઈએ. ડાયાબિટીસમાં ઘણા લોકોને લોહી છૂટે છે. ડાયાબિટીસ હોય તેવી વ્યક્તિઓમાંથી ઘણા લોકોને ડાયાબિટીસ આંખમાં ઉતરે છે. બ્લડ સુગર કંટ્રોલમાં હોય તો પણ આવી વ્યક્તિઓને પડદા પર ડાઘા પડે છે, સોજો આવે છે અને લોહી પડે છે . આ ડેમેજ વધે ત્યારે લોહીની નળીઓમાંથી લોહી છૂટવાને કા૨ણે આંખની વિટ્રીયલ કેવિટીમાં લોહી આવવાથી ઘણા બધા કણો તરતા હોય તેવું લાગે છે. આ સિવાય જો અચાનક જ ફ્લોટર્સની સંખ્યામાં વધારો થઈ જાય અને સાથે અન્ય લક્ષણો જેવા કે આંખમાં લાઇટ ઝબકવી, સાઈડમાંથી પડદો આવતો હોય એવું લાગવું વગેરે હોય તો જેને ટૂંકી નજર એટલે કે માઈનસ નંબરવાળા લોકોને પણ પડદો ખસતા પહેલા આવા મલ્ટીપલ વિટ્રીયલ ફ્લોટર્સનો અહેસાસ થાય છે. એટલે તાત્કાલિક ધોરણે આંખની તપાસ થવી જરૂરી છે.
Que : 5 મને ડાયાબિટીસ છે. ડોક્ટરે મને આંખના પડદામાં સોજો અને લોહી નીકળે છે એવું જણાવ્યું છે અને આંખમાં ઇન્જેક્શન લેવા પડશે એવું પણ કહ્યું છે. મને ડર લાગેછે. આંખમાં ઈંજેક્શન લેવા જરૂરી છે ? એનો બીજો કોઈ ઈલાજ નથી ?
Ans : 5 ડાયાબિટીસ જયારે આંખમાં આવે ત્યારે સોજો અને લોહી આવતા હોય છે કારણ કે રેટિના એટલે કે આંખના પડદા પર લોહી અને ઓક્સિજનના લેવલ પહોંચતા ઓછા થઇ જતા હોય છે તેથી ત્યાં લોહી પહોંચાડવા માટે નવી નાળિઓ બને છે. એ નાળિઓ આપણી બાળપણની નાળિઓ જેટલી મજબૂત ન હોય એટલે એમાંથી લોહી છે. અને બીજા દ્રવ્યો બહાર આવવા લાગે છે અને સોજા થાય. હવે જોવાની મુખ્ય જગ્યાએ જયારે સોજા આવે ત્યારે એ સોજાના કારણે આપણને જોવાનું ધૂંધળું થતું હોય છે. એને રેટિનાના અંદરના લેવલના સોજા કહેવાય. ભલે શરીરમાં રહેલું ડાયાબિટીસ કંટ્રોલમાં હોય, પણ આંખના લેવલ ૫૨ કેટલું ડાયાબિટીસ છે, કેટલું સુગર છે, કેટલું ઓક્સિજન ફરે છે, કેટલું લોહી ત્યાં સુધી પહોંચે છે, એના આધાર પર દર્દીને આંખનો ડાયાબિટીસ આવતો હોય છે. ડાયાબિટીસના કારણે પડદા પર સોજો હોય તો દર્દીને આંખમાં ઈન્જેક્શન આપીને સારવાર કરાવવી પડતી હોય ટીપા કે બાહરી દવાઓ આંખના પડદા સુધી પહોંચીને આ રોગમાં રાહત આપી શકતા નથી. તેથી એ સોજા ઇન્જેક્શન આપીને જ ઓછા થઇ શકે. આંખના ડોળામાં ઇન્જેક્શન આપવામાં દર્દીઓ ડરી જતા હોય છે પણ લોહી લેવામાં જેટલો દુખાવો થાય એના કરતા પણ ઓછો દુખાવો આંખના ઇન્જેક્શનમાં થતો હોય છે. કારણ કે આ ઇન્જેક્શન આંખને ટીપા નાખીને બહેરી કર્યા પછી આપવામાં આવે છે અને એ પણ બહુ જ બારીક સોય વડે, ઓપરેશન થિયેટરના સ્ટરાઇલ વાતાવરણમાં, માઈક્રો-સેકેન્ડમાં પતી પણ જતું હોય છે. ઇંજક્શન આપ્યા પછી કોઈ વધારે ધ્યાન રાખવાની પણ જરૂર નથી હોતી.
Que : 6 મને સાત વર્ષથી ડાયાબિટીસ હતો, હમણાં આંખમાં આવ્યો છે. શરૂઆતમાં મને ખબર પડી ન હતી પણ ઓછું દેખાવાનું શરૂ થયું ત્યારે મેં પહેલી વાર આંખનું ચેક અપ કરાવ્યું અને એ સમયે ખ્યાલ આવ્યોકે મને આંખમાં ડાયાબિટીસ આવ્યો છે. મને એક છે આંખે ઇન્જેક્શન અને લેઝર લેવાનું કહ્યું છે પણ બીજી આંખમાં બહુ ઓછું દેખાય છે અને એનું ઓપરેશન કરવાનું કહ્યું છે. મારે શું કરવું જોઈએ?
Ans : 6 તમારા કેસમાં બંને આંખમાં ડાયાબિટીસ ખૂબ આગળના સ્ટેજ ૫૨ પહોંચી ગયો છે, જેને પ્રોલિફરેટીવ ડાયાબિટીક રેટિનોપથી કહે છે. બંને આંખમાં અત્યારે લોહી ઓછું પહોંચે છે જેના કારણે નવી નળીઓ આવી ચુકી છે અને લીકેજ કરે છે, અને એ કારણે આંખમાં દેખાવાનું ઓછું થઈ ગયું છે. એક આંખમાં એને લેઝર કરીને બંધ કરવી પડે અને બીજી આંખમાં ઓપરેશનની જરૂર એટલા માટે છે કે લીકેજ કરતી નળીએ લોહી બહાર કાઢ્યું છે અને પડદામાં ખેંચાણ આવ્યું છે. પડદાને એની જગ્યાએ બેસાડવા માટે વીટરેક્ટોમી એટલે કે રેટિનાની સર્જરી કરીને છેલ્લે ઓઈલ કે સ્પેશીઅલ પ્રકારનો ગેસ ભરવામાં આવે છે જેથી દર્દીને વધારે સારું દેખાય.
Que : 7 મને આંખના પડદા પર ડાયાબીટીસ હતો અને રૂટિન ચેક અપ બાદ ડોક્ટરે મને પડદામાં લેઝર કરાવવાની સલાહ આપી છે પણ મને આંખમાં ચોખ્ખું દેખાય છે. શું મારે પડદામા લેઝર કરાવવું જોઈએ?
Ans : 7 ડાયાબિટીસ આંખમાં ઉતરે એને ડાયાબેટિક રેટિનોપથી કહેવાય છે. સુગર કંટ્રોલમાં હોય તો પણ આંખના પડદા પર ડાયાબિટીસ આવી શકે છે. નાની વયમાં અંધાપાનું મુખ્ય કારણ આંખનો ડાયાબિટીસ જ છે. આવા લોકોમાં આંખમાં લોહી પહોંચાડતી નળીઓથી લોહી ઓછું પહોંચે છે અને પરિણામ સ્વરૂપ, આંખના પડદામાં નવી નવી નળીઓ પેદા થાય છે. આ નળીઓમાંથી લોહી બહાર નીકળી ભવિષ્યમાં પડદામાં લોહી લાવે અને આંખનો પડદો ઉખાડી શકે છે. આ નવી નળીઓનો લેઝરથી નાશ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં રેટીનાનું ડીટેચમેન્ટ ના થાય. શરૂઆતમાં આંખના પડદામાં લોહી હોય તો જોવામાં તકલીફ પડતી નથી અને આ વિષે જાણકારી પડદાના સ્ક્રિનિંગથી જ થાય છે. તેથી ભવિષ્યમાં રેટીનલ ડીટેચમેન્ટથી બચવા માટે પહેલેથી જ આંખના પડદાનું લેઝર કરાવવું સલાહકારક છે.
Que : 8 મને ૮ વર્ષથી ડાયાબિટીસ છે. મને જોવામાં કોઈ તકલીફ નથી તો મારે આંખનું ચેકઅપ કરાવવું જોઈએ?
Ans : 8 બ્લડ સુગર કંટ્રોલમાં હોય તો પણ અને ચોખ્ખું દેખાતું હોય તો પણ, આમાંથી ઘણી વ્યક્તિઓને પાછળથી ડાયાબિટીસ આંખમાં આવે છે. જેટલા લોકોને ડાયાબિટીસ છે તેમાથી ઓછામાં ઓછી ત્રીજા ભાગની વ્યક્તિઓને ડાયાબિટીસ આંખમાં આવે છે. ડાયાબિટીસવાળી વ્યક્તિઓને મોતિયો વહેલો આવે છે, જામર થવાની શક્યતા આઠ ગણી વધારે હોય છે. આંખના પડદા પર લોહીના ટશિયા ફૂટે છે, સોજો આવે છે, સુગર અને ડાયાબિટીસના સ્પોટ્સ પડે છે. શરૂઆતમાં કે પાછળથી મેક્યુલોપથી થાય છે, વિટરિયસ હેમરેજ થાય છે અને કોઈક વાર ટ્રેકશનલ રેટિનલ ડિટેચમેન્ટ થઈને આંખ ગુમાવવાનો વારો આવે છે. આવા સંજોગોમાં જો સમયસર આંખનું ચેકઅપ કરાવેલું હોય તો નિદાન કરીને સાવચેતીથી સારવાર કરીને અંધાપો અટકાવી શકાય છે. માટે દરેક વ્યક્તિએ ભલે ચોખ્ખું દેખાતું હોય, આંખનું કમ્પ્લિટ કોંપ્રિહેન્સિવ ડાયલેટેડ આઈ એકઝામિનેશન કરાવવું જ જોઈએ.
Que : 9 મને પ્રોલિક્રેટિવ ડાયાબિટીક રેટીનોપથી છે, પણ મોતિયો પણ ઘણો વધારે છે. તો મારે પહેલું કયું ઓપરેશન કરાવવાનું અને મને ઓપરેશન પછી દેખાશે કે કેમ?
Ans : 9 જો મોતિયો ઘણો વધારે હોય તો પહેલા ડાયાબિટીસ કંટ્રોલ કરીને મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. પરંતુ મોતિયાના ઓપરેશન બાદ તરત જ પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટીનોપથી વધવાની શક્યતા વધુ હોય છે. એટલે સાવચેત રહીને પડદાના લેઝર કે એન્ટિ VGEF ઈંજેકશન લઈને અને જો જરૂરિયાત જણાય તો પડદાનું ઓપરેશન કરાવીને પણ આંખની દ્રષ્ટિ પાછી મેળવી શકાય.
Que : 10 હું ઇન્સ્યુલીન પર છું. મારી કિડનીને ડાયાબિટીસના લીધે નુકસાન થયેલું છે અને આંખના પડદા પર ડાયાબિટીક રેટિનોપથી પણ છે. દિવાળીમાં ભૂલમાં કોઈવાર સ્વીટ ખવાઇ જાય તો મારી આંખને ડેમેજ થાય?
Ans : 10 કિડનીમાં ડાયાબિટીસથી નુકસાન થયેલું હોય એવા ઘણા બધા લોકોને ડાયાબિટીસને લીધે આંખના પડદા પર પણ નુકસાન થયેલું હોય છે, નજર ઝાંખી થયેલી હોય છે, રેટિનામાં ડાયાબિટીક રેટીનોપથી જોવા મળે છે. ડાયાબિટીસવાળા લોકો એ સુગર ફ્રી મીઠાઈ લેવાનો આગ્રહ રાખવો. ડાયાબિટીસથી થતાં આંખનું ડેમેજ કેટલા વર્ષોથી ડાયાબિટીસ છે અને કેટલું સુગર વધ-ઘટ થાય છે તે બંને પર આધાર રાખે છે અને એ ઉપરાંત દિવાળીમાં રૂટિન એકસરસાઈઝ રજાઓમાં બંધ થઈ જાય છે જેને લીધે પણ સુગર લેવલ વધ-ઘટ થતું હોય છે. એટલે તે ખૂબ જરૂરી છે કે તમારું બ્લડ સુગર કંટ્રોલમાં રહે. જો તાજેતરમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય તો આ વર્ષે વાર્ષિક વધારે બે વાર એટલે કે ચાર વાર આંખનું ચેકઅપ કરાવો કારણ કે મોતીયાના ઓપરેશન પછી ડાયાબિટીક રેટિનોપથી વધવાની શક્યતા વધારે હોય છે.
Que : 11 ડાયાબિટીક રેટીનોપથી મને થાય તો મને કેવી રીતે ખબર પડે?
Ans : 11 આ રોગમાં શરૂઆતના પહેલા બે તબક્કા સુધી રોગના કોઈ જ લક્ષણો હોતા નથી. જેને લીધે મોટે ભાગે રોગનું નિદાન સમયસર થતું નથી. કમનસીબે, આ રોગ વધીને આંખના પડદાને ઘણો ડેમેજ ના કરી દે ત્યાં સુધી જોવાની પણ તકલીફ પડતી નથી. છેક છેલ્લા તબક્કામાં દ્રષ્ટિ ઝાંખી થાય, રંગોમાં ઝાંખા દેખાય, આંખમાં ફ્લોટર્સ દેખાય, રાત્રે ઝાંખું દેખાય જેવા લક્ષણો જણાય છે. સમયસર આંખનું ચેકઅપ કરાવવાથી રોગના તબક્કા આગળ વધે અને કાયમ માટે અંધાપો આવે તે પહેલા ડાયાબિટીસ ધરાવતી દરેક વ્યક્તિઓએ સમયસર આંખનું ચેકઅપ કરાવવું જોઈએ.
Que : 12 ટેલિમેડિસિનનો ડાયાબિટીસને લગતા આંખનાં રોગો અટકાવવામાં શું ફાળો છે ?
Ans : 12 કોવિડ પછી વધતાં જતાં ડાયાબિટીસને કારણે હાલમાં ૭૭લાખમાંથી અંદાજે ૪૪ લાખ લોકોનું નિદાન થયું નથી. તેથી ધાર્યા કરતાં ડાયાબિટીસના આંખના પડદાની તકલીફો વધારે જણાઈ રહી છે. આ ડાયાબિટીસની આંખના પડદા ૫૨ અસ૨ થઈ છે કે નહીં તે જાણવા માટે ઓન-સાઈટ હાઈ-એન્ડ ફંડસ કેમેરા વડે જો આઇર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ટેલિમેડિસિનનો ઉપયોગ કરી નિદાન કરવામાં આવે તો ત્યાં જ આગળ સારવારની જરૂર છે કે નહીં તે ખબર પડી શકે અને સમયસર અંધાપો આવતો અટકાવી શકાય. તેજ આઈ સેન્ટર આઇર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સયુક્ત મોબાઈલ બસ દ્વારા ટેલિમેડિસિનનો ઉપયોગ કરીને છેવાડાનાં લોકો સુધી જ્યાં ટેક્નોલૉજી અને નિષ્ણાતોની ટીમ નથી પહોચી શકતી ત્યાં સુધી પહોચી અને ત્યાં ડાયાબિટીસ દ્વારા આવતા અંધત્વને અટકાવવાનાં કાર્ય સતત કરી રહી છે.
Que : 13 મારુ વિટ્રીયલ ફ્લોટરનું નિદાન થયેલું છે. ડોક્ટરના કહેવા પ્રમાણે મારે હાલની સ્થિતી મુજબ તેની ચિંતા કરવાની જરૂર નથી. તો મારે હવે ક્યારે બતાવવું જોઈએ?
Ans : 13 જો અચાનક જ ફ્લોટર્સની સંખ્યામાં વધારો થઈ જાય. આ સાથે અન્ય લક્ષણો જેવા કે આંખમાં લાઇટ ઝબકવી, સાઈડમાંથી પડદો આવતો હોય એવું લાગે વગેરે જેવા ચિહ્નો પડદો ખસવાનું ચિહ્ન હોઈ શકે છે. ફ્લોટર્સ પોતે નુકશાનકારક નથી, પરંતુ જો ફ્લોટર્સ આંખના અન્ય રોગો સાથે સંકળાયેલા હોય તો તેની તાત્કાલિક ધોરણે તપાસ કરાવવી જોઈએ.
Que : 14 આંખના પડદના ઓપરેશનની કિંમત વધારે છે અને ઈંજેક્શન પણ ત્રણ પ્રકારના આવે છે. શું આ ઈન્સ્યોરન્સમાં કવર થાય છે?
Ans : 14 ઉચ્ચ કક્ષાના મશીનોથી જયારે પડદાની સારવાર થાય ત્યારે તેનો ખર્ચ સામાન્યતઃ ઊંચો હોય છે પણ હવે સરકાર તેને આયુષ્માનમાં કવર કરી રહી છે. લેઝર અને પડદાની સર્જરી હવે આયુષ્માન કાર્ડમાં કવર થાય છે જેમાં તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો સર્જરી મફતમાં થાય છે. તેજ આઈ સેન્ટરની હાઈ-ટેક આઈ ચેક અપ બસ કે જે આંખના પડદાના ચેક અપ માટેના ઉચ્ચ સાધનોથી પણ સજ્જ છે એમાં ચેક અપ કરી અને જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા હોવ તો આયુષ્માનમાં સર્જરી કરવામાં મદદ કરી શકે.
Que : 15 મને હમણાંથી આંખમાં નજર સામે એક વાદળ તરતું હોય એવું લાગે છે. તોશું મારે આની ચિંતા કરવાની જરૂર છે?
Ans : 15 આઈ બોલ રબરના દડા જેવો હોય છે. રબરના દડામાં મુખ્યત્વે હવા ભરેલી હોય છે, આઈ બોલમાં જેલી જેવું એક પ્રવાહી જેને વિટરિયસ હ્યુમર કહેવાય છે. એ શોક એબ્સોર્બરનું અને પોષણનું આપવાનું કામ કરે છે. એ મુખ્યત્વે પ્રોટીનનું બનેલું હોય છે. જેમ ઉંમર સાથે કરચલી પડે, વાળ ધોળા થાય અને મોતિયો આવે એવી જ રીતે આમાં પણ પ્રોટીનનું ડિજનરેશન થઈને ગઠ્ઠા થાય છે જે આપણને જોવામાં સામે આવે છે જેને વિટ્રીયલ ફ્લોટર કહેવાય છે. એ જ્યા જુઓ ત્યા ખસે. જ્યા જુઓ ત્યા એ કણો દ્રષ્ટિમાં વચ્ચે આવ્યા કરે પણ કોઈ જગ્યાએ એકધાર્યું જોયા કરો તો એ નીચે પણ બેસી જાય અને વળી પાછા આંખ હલાવો તો હલે, પણ તમને કામ કરવામાં ક્યાય નડે નહીં. એને સંપૂર્ણ દૂર ના કરી શકાય. પણ આની ચિંતા કરવાની પર જરૂર નથી. એન્ટીઑકિસડન્ટ્સ દવા એ ઘસારાને વધતો અટકવામાં કઈક અંશે ભૂમિકા ભજવે છે. પરંતુ મોટે ભાગે વિટ્રીયલ ફ્લોટર રૂટીન કાર્યમાં વચ્ચે આવતા નથી. એની પર ફોકસ કરવામાં આવે, સફેદ દીવાલ કે ખુલ્લા આકાશ માં જોવામાં આવે ત્યારે જ દેખતા હોય છે. જ્યાં ઘણા સમયથી એક જ વિટ્રીયલ ફ્લોટર હોય, જોવામાં તકલીફ ના પડતી હોય, નજર ચોખ્ખી હોય, દુખાવો ના થતો હોય, આંખ નોર્મલ હોય, તમને જાડા ચશ્મા ના હોય તો આની ચિંતા કરવાની જરૂર નથી. પણ કમ્પ્લીટ ડાયલેટેડ આઈ ચેકઅપ કરાવવાનું ના ટાળો, આની સાથે આંખના પડદામાં ઘસારો છે કે નહીં અને આંખનો પડદો ખસવાનું જોખમ છે કે નહીં તેની તપાસ અવશ્ય કરાવવી જોઈએ અને ખાસ કરીને ઈન્ડીરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપીથી આંખના પડદાંની સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ.
Que : 16 મેં બે વર્ષ પહેલા લેઝર કરાવેલું છે અને હવે ફ્રી આંખમાં લોહી આવી ગયું છે અને ડૉક્ટરે મને રેટિના સર્જરી કહી છે. લેઝર કરાવ્યા બાદ પણ લોહી આવી શકે ?
Ans : 16 દર્દીને ડાયાબિટીસ ઘણા લાંબા સમયથી હોય, કે ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય, લોહીના ટકા ઓછા હોય, હૃદયનો રોગ કે કિડનીનો રોગ હોય, બીપી કંટ્રોલમાં ના હોય અથવા આંખની નસ ઉપર નવી નળીઓ પેદા થઈ ગઈ હોય તો લેઝર કર્યા બાદ પણ ફરી પડદામાં લોહી આવી શકે છે. આ લોહી આંખના પડદા પર ખેંચાણ આપી શકે છે. રેટીનલ ડીટેચમેન્ટના કારણે અંધાપો ના આવે એ માટે સમયસર વીટરેક્ટોમીની સર્જરી કરાવવી જોઈએ.
Que : 17 શું લેઝર અને રેટિના સર્જરી મેડિક્લેઈમ અને કેશલેસમાં કવર થાય છે?
Ans : 17 હા, લેઝર અને રેટિના સર્જરી મેડિક્લેઈમ અને કેશલેસમાં કવર થાય છે. આયુષ્માન વિભાગ દ્વારા પણ પડદાની થેરાપી ઉપલબ્ધ છે.
Que : 18 મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે. મને એક આંખમાં ચોખ્ખું દેખાય છે, પરંતુ બીજી આંખમાં વાદળ તરતા હોય તેવા કણો દેખાય છે. મેં વિટ્રીયલ ફ્લોટરનું નિદાન કરાવ્યું છે. શું આ વિટ્રીયલ ફ્લોટરનો કોઈ ઈલાજ છે?
Ans : 18 આંખનો કાચ જ્યારે દુધિયો થાય એને મોતિયો કહે છે, જેને દૂર કરીને તેની જગ્યાએ લેન્સનું પ્રત્યારોપણ કરવાથી નજર પાછી ફોકસમાં લાવી શકાય છે. આંખના પડદાની આગળ ડોળામાં વીટરસ હ્યુમર નામનું જેલી જેવું પ્રવાહી હોય છે. જેમ ઉંમર સાથે કરચલી પડે, વાળ ધોળા થાય તથા મોતિયો આવે એવી જ રીતે ઉંમર સાથે થતાં બીજા ઘસારાની જેમ વિટ્રીયલ ફ્લોટર સામાન્ય છે. વિટ્રીયલ ફ્લોટરના લક્ષણોમાં વાદળ જેવું કઇંક તરતુ હોય એવું લાગે છે. આ ઉપરાંત જ્યાં જુઓ ત્યાં એ કણો દ્રષ્ટિમાં વચ્ચે આવ્યા કરે છે. જેમ મોતિયો ઉંમરની નિશાની છે તેમ જ વિટ્રીયલ ફ્લોટર પણ ઉંમરની નિશાની છે. તેને સંપૂર્ણ દૂર નથી કરી શકાતું. એન્ટીઑકિસડન્ટ્સ દવા એ ઘસારાંને વધતો અટકવામાં કંઈક અંશે ભૂમિકા ભજવે છે. મોટે-ભાગે વિટ્રીયલ ફ્લોટર રૂટિન કાર્યમાં વચ્ચે આવતા નથી. તેની પર ફોકસ કરવામાં આવે, સફેદ દીવાલ કે ખુલ્લા આકાશમાં જોવામાં આવે ત્યારે જ દેખાતા હોય છે. તેથી વિટ્રીયલ ફ્લોટર માટે ચિંતા કરવાની જરૂર નથી.
સંપર્ક
અમારી સેવાઓ અને આંખો ના સ્વાસ્થ્ય ની વધુ માહિતી મેળાવવા તેજ આઇ સેન્ટર નો આજે જ +91 7778057500 પર સંપર્ક કરો